સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ –રશીદ મીર

સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ,
ભેદ ભરમના તાણાવાણા હું પણ ખોલું તું પણ ખોલ.

ક્યાંય નહીં અવચેતન જેવું વીસરાતાં ચાલ્યાં ઓસાણ
ઢોલ બજે અનહદના ભીતર હું પણ ડોલું તું પણ ડોલ.

પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું
આજ સખી મોંહે ઘૂંઘટ કે પટ હું પણ ખોલું તું પણ ખોલ.

સાલ લગોલગ ભવના માથે વણબોલ્યાનો અધમણ ભાર,
હૈયા સોતું અમૃત ગળતું હું પણ ઘોળું તું પણ ઘોળ.

મન મરકટ ની ચાલ જ ન્યારી; વણપ્રીછયું પ્રીછે કૈં વાર,
પલમેં માસા પલમેં તોલા હું પણ તોળું તું પણ તોળ.

શબ્દોના વૈભવની આડે અર્થોના બોદા રણકાર,
ચેત મછંદર ગોરખ આયા હું પણ પોલું તું પણ પોલ.

6 thoughts on “સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ –રશીદ મીર

  1. શબ્દોના વૈભવની આડે અર્થોના બોદા રણકાર,
    ચેત મછંદર ગોરખ આયા હું પણ પોલું તું પણ પોલ.
    …………
    હૈયા સોતું અમૃતની કવિતા

    Liked by 1 person

Leave a comment